Gujarati Rangbhumi PDF Free Download, અવેતન રંગભૂમિ, ગુજરાતી રંગભૂમિ Gpsc, નવી રંગભૂમિભારતીય ચલચિત્રો અને રંગભૂમિનો સમાજ પર પ્રભાવ, નાટક વિશે માહિતી, તિરાડે કૂટી કૂંપળ, કાઠિયાવાડના નાટક મંડળી ઓ.
Gujarati Rangbhumi PDF Free Download
કહે છે કે ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગરી અણહિલપુર પાટણમાં સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાયાં હતાં. તે પછી સદીઓ સુધી નાટ્યપ્રવૃત્તિ એક કલા તરીકે વિકસી શકી ન હતી.
ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિનો પ્રારંભ ભવાઈ સ્વરૂપની લોકનાટ્ય પરંપરા તરીકે થયો તેમ કહી શકાય. ચૌદમી સદીમાં અસાઈત ઠાકર દ્વારા લોક નાટ્યકલાનું તળપદું સ્વરૂપ ‘ભવાઈ’ પ્રચલિત થયું, તે ઇતિહાસ આપે ‘અનુપમા’ના લેખમાં વાંચેલ છે.
ભવાઈ શબ્દ ‘ભવ અને વહી’ અથવા ‘ભવ અને આઈ’ પરથી બન્યો હોઈ શકે.
ભવની વહી અર્થાત ભવની કથા એટલે ભવાઈ.
વળી ભવાઈનો સંબંધ દેવીપૂજા સાથે; ભવાઈ શબ્દનો સંબંધ ‘ભવ’ અને ‘આઈ’ સાથે. ભવના, અનંત કાળના, સૃષ્ટિના આઈ એટલે જગદંબા માતાજી. જગતજનની માતાજી અંબાની આરાધના અર્થે સર્જાયેલ નાટ્યસ્વરૂપ તે ભવાઈ.
સદીઓ સુધી ભવાઈ લોકનાટ્ય કલા ક્ષેત્રે સાર્વજનિક મનોરંજન બની રહી અને તેણે ગુજરાતમાં જૂની રંગભૂમિના ઉદયમાં ફાળો આપ્યો.
આવો, આજે ‘મધુસંચય’ના આ લેખમાં ભવાઈથી શરૂ કરી ગુજરાતી રંગમંચના ઉદયની કહાણી માણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]
ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ સમજવા ભવાઈને સમજવી પડે.
ભારતના લોકનાટ્ય કલા ક્ષેત્રે ગુજરાતની ભવાઈનું આગવું નામ છે.
ભવાઈને પ્રચલિત કરવાનો શ્રેય ચૌદમી સદીના સિદ્ધપુરના બ્રાહ્મણ અસાઈત ઠાકરને જાય છે. પોતાના પટેલ મિત્ર હેમાળા પટેલની દીકરી ગંગાના શીલની રક્ષા કાજે અસાઈત ઠાકરે બ્રાહ્મણ સમાજનો તિરસ્કાર સહ્યો, તે વાત આપે અગાઉ ‘અનુપમા’ પર વાંચી છે. ન્યાતબહાર થઈ સમાજથી હડધૂત થયેલા અસાઈત ઠાકરે ભવાઈના વેશની રચના કરી.
ભવાઈમાં સંગીત અને નૃત્યને પ્રાધાન્ય હતું, પરંતુ આધુનિક નાટકનાં ઘણાં લક્ષણોનો અભાવ હતો. ભવાઈનો પ્રયોગ કે ખેલ ‘વેશ’ કહેવાતો. અસાઈત ઠાકર દ્વારા પ્રસ્તુત ભવાઈના વેશનો આધાર ઘણે ભાગે પ્રચલિત કથાઓ કે સમાજની લાક્ષણિકતાઓ પર હતો. ભવાઈના વેશ તળપદી ભાષામાં મનોરંજન આપવા સાથે સમાજના રીતરિવાજો, સમસ્યાઓ, વ્યવહારો કે માન્યતાઓનાં સારાં-નરસાં પાસાંઓને પણ પ્રતિબિંબિત કરતા.
અસાઈત ઠાકોર દ્વારા રચાયેલ સાડા ત્રણસોથી વધારે વેશમાંથી આજે માંડ ચાલીસ-પચાસ વેશ જ આપણી પાસે બચ્યા છે.
ભવાઈના ખેલ (વેશ) ગામના ચોકમાં કે શેરીના નાકે ભજવાતા. તેને માટે રંગમંચની જરૂર ન હતી. ભવાઈના વેશ માત્ર પુરૂષ કલાકારો દ્વારા ભજવાતા. વળી વેશ ગદ્ય અને પદ્યથી સંપન્ન હતા. લેખિત કથા કે સંવાદો ન હતાં. ન તો સ્ક્રિપ્ટની જરૂરત; ન રંગમંચ કે તખ્તાની. ટિકિટ તો હોય જ નહીં!
ગુજરાતમાં સદીઓ સુધી ભવાઈએ લોકરંજનનો હેતુ સાર્યો. ભવાઈમાં સમાજની કુરૂઢિઓ અને માન્યતાઓ પર ક્યારેક એવા માર્મિક વ્યંગ કરવામાં આવતા કે પ્રેક્ષકોમાં ખડખડાટ હાસ્ય રેલાતું!
સાર્વજનિક મનોરંજનની ગરજ સારતા પ્રાચીન ભવાઈ વેશોમાં ક્યારેક અશિષ્ટ ભાષામાં પીરસાતું અભદ્ર મનોરંજન ઘણાને કઠતું.
ગ્રાંટ રોડનું રોયલ થિયેટર તથા બોરીબંદરનું ગેઇટી થિયેટર
- મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિને વેગ આપવા મુંબઈમાં ગ્રાન્ટ રોડ પર થિયેટર બાંધવાનું નક્કી થયું.
- 1842માં ગ્રાંટ રોડ થિયેટર માટે લક્ષાધિપતિ વ્યાપારી જગન્નાથ શંકર શેઠ (નાના શેઠ કે નાના શંકરસેઠ) દ્વારા જમીન દાનમાં મળી.
- 1846માં ગ્રાંટ રોડ થિયેટર તૈયાર થયું અને તેમાં ભજવાયેલ પ્રથમ નાટક શેક્સપિયરનું ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ હતું. (આ ગ્રાંટ રોડ થિયેટર કાળક્રમે બોમ્બે થિયેટર કે રોયલ થિયેટર કે શંકર શેઠની નાટકશાળા તરીકે પણ ઉલ્લેખ પામ્યું છે).
- રોયલ થિયેટર (ગ્રાંટ રોડ થિયેટર) ની સંચાલન સમિતિમાં જગન્નાથ શંકર શેઠ ઉપરાંત સર જમશેદજી જીજીભોય (પ્રથમ બેરોનેટ) સહિત મુંબઈ શહેરના પ્રતિષ્ઠિત સજ્જનો હતા. બોરીબંદર – થાણા વચ્ચે ભારતની પ્રથમ ટ્રેન દોડાવવાનો શ્રેય સર જમશેદજી જીજીભોય તથા જગન્નાથ શંકર શેઠને જાય છે તે આપ ‘મધુસંચય’ પર વાંચી ચૂક્યા છો.
- અહીં નાટકો ભજવવા સુંદર સગવડો હતી.
- રોયલ થિયેટરની નાણાકીય સ્થિતિ નબળી રહેતાં તેને જગન્નાથ શંકર શેઠે ખરીદી લીધું. આ પછી ગ્રાન્ટ રોડનું રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટકશાળા’ તરીકે લોકોમાં જાણીતું થયું. (આ રોયલ થિયેટરનું લોકેશન કયું હોઈ શકે ? ગ્રાંટ રોડની ગુલશન ટૉકિઝ એ જ શંકર શેઠની નાટકશાળા, કે ભળતા નામવાળી રોયલ ટૉકિઝ કે પછી ગોંડલ મહારાજાનું રોયલ ઓપેરા હાઉસ? આ અંગે કોઈ વાચક અધિકૃત માહિતી આપશે તો આભારી થઈશ).
- ત્યાર પછી અંગ્રેજો અને પારસીઓના સહયોગથી 1879માં મુંબઈના બોરીબંદર સ્ટેશન સામે ગેઇટી થિયેટર બંધાયું.
- તે જમાનામાં અદ્યતન ગણાતું ગેઇટી થિયેટર 6 ડિસેમ્બર 1879ના રોજ ખુલ્લું મૂકાયું.
- બોરીબંદર પાસે વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) બન્યા પછી તો ગેઇટી વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમાં 70 ફૂટ બાય 40 ફૂટનો મોટો રંગમંચ હતો. તેનો ભવ્ય પડદો 22 ફૂટ ઊંચો હતો.
- પર્ફોર્મિંગ આર્ટ્સ માટે બંધાયેલ ભવ્ય થિયેટર ગેઇટીમાં પ્રારંભમાં અંગ્રેજી ભાષાના નાટકો ભજવાતા, પણ પાછળથી તેમાં ખ્યાતનામ ગુજરાતી, મરાઠી અને હિંદી નાટકો ભજવાયાં
- વિક્ટોરિયા ટર્મિનસ (હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ કે સીએસટી) પાસે આવેલ ગેઇટી થિયેટરમાં ખ્યાતનામ ગુજરાતી નાટક કંપનીઓના સંખ્યાબંધ લોકપ્રિય ગુજરાતી નાટકો ભજવાયા.
- ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ કલાકાર જયશંકર ભોજક ‘સુંદરી’નું પ્રથમ મુખ્ય નાટક ‘સૌભાગ્યસુંદરી’ 1901માં ગેઇટીમાં જ રજૂ થયું હતું.
- 1926 પછી ગેઇટી થિયેટરનું સંચાલન ફ્રામજી સિધવાની કંપની ગ્લોબ થિયેટર પાસે ગયું. 1929માં કેપિટોલ સિનેમા તરીકે ખુલ્લું મૂક્યું. (એક સમયે મુંબઈમાં કેપિટોલ સિનેમા અને કોલાબાનું રીગલ સિનેમા તેમજ કોલકતામાં ગ્લોબ થિયેટર એક જ મેનેજમેન્ટનાં; રીગલ સિનેમા ભારતનું પ્રથમ એર-કંડીશન્ડ સિનેમાહાઉસ).
- 1929 પછી નવા કેપિટોલ સિનેમા (દાદાભાઈ નવરોજી રોડ, સીએસટી) માં નાટકને બદલે ફિલ્મ પ્રદર્શિત થવા લાગી. ઊંચા પિલર્સ પર ભવ્ય બાલ્કની તેમજ ટોચ પર ડોમને કારણે કેપિટોલ સિનેમા (ગેઇટી થિયેટર) જાણીતું થયું.
- મલ્ટિપ્લેક્સ થિયેટરનો યુગ શરૂ થતાં 2005-06માં કેપિટોલ સિનેમા પણ બંધ પડ્યું.
- આજે બેનમૂન ગુજરાતી નાટકોની યાદો સંઘરીને ગેઇટી થિયેટર ઉર્ફે કેપિટોલ સિનેમાનું પુરાણું બિલ્ડિંગ છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે ઊભું છે.
ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પારસીઓનો ફાળો
મનોરંજન અર્થે રંગભૂમિના પ્રયોજનની પ્રેરણા પારસીઓને અંગ્રેજો પાસેથી મળી. હિંદુસ્તાન આવેલા બ્રિટીશરોએ અંગ્રેજી ભાષાની રંગભૂમિને જીવંત કરવા પ્રયત્નો આરંભ્યા.
અંગ્રેજોના નાટ્યપ્રયોગોમાંથી પ્રેરણા લઈ ઓગણીસમી સદીમાં મુંબઈમાં પારસીઓએ ગુજરાતી રંગભૂમિનો પાયો નાખ્યો. પ્રારંભમાં પારસીઓએ પારસી-ગુજરાતી બોલીમાં નાટ્યપ્રવૃત્તિ વિકસાવી. આ સાથે કલકત્તા (કોલકતા) માં પણ પારસી – ગુજરાતી નાટકો રજૂ થવા લાગ્યાં. શરૂઆતના ગુજરાતી-પારસી મિશ્રિત બોલીના નાટકોમાં ઉર્દુ અને ક્વચિત અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થતો. આમ છતાં ગુજરાતી પ્રેક્ષકો તેને માણી શકતા. ક્યારેક આવાં નાટકો જોવા યુરોપિયન પ્રેક્ષકો પણ જતાં.
1850 પછી પારસીઓએ ગુજરાતી નાટકને વ્યવસ્થિત સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો અને વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો. 1852માં શિક્ષિત પારસીઓએ શેક્સપિયરના નાટકને ગુજરાતી ભાષામાં સુરત શહેરમાં ભજવ્યું હોવાનો ઉલ્લેખ છે.
ફરામજી ગુસ્તાદજી દલાલ નામના પારસી નાટ્યપ્રેમીએ 1853માં મુંબઈમાં ‘પારસી નાટક મંડળી’ સ્થાપી અને ગુજરાતી – પારસી નાટ્યપ્રવૃત્તિઓમાં વેગ આવ્યો. આમ, ગુજરાતી નાટકો રંગમંચ પર આવ્યાં. 1853માં 29મી ઓક્ટોબરે ગ્રાંટ રોડના રોયલ થિયેટર (શંકર શેઠની નાટકશાળા) માં રૂસ્તમ સોહરાબની કથા પર આધારિત પારસી-ગુજરાતી નાટક ભજવાયું. તેની સફળતા ગુજરાતી રંગમંચમાં સીમાચિન્હરૂપ બની.
આ સાથે સ્ક્રિપ્ટ-લિખિત નાટકો, રંગમંચ અને સવેતનિક કલાકારોને લીધે ગુજરાતી રંગભૂમિ વિશેષ ખીલી ઊઠી અને ટિકિટના પૈસા ખર્ચીને નાટક જોનાર દર્શકોનો વર્ગ ઊભો થયો. નાટક કંપનીઓની સંખ્યા વધવા લાગી. મુંબઈના ‘રાસ્ત ગોફ્તાર’ સામયિક (દાદાભાઈ નવરોજી સ્થાપિત) ના પારસી તંત્રી કેખુશરૂ કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી’ સ્થાપી. 1869માં કેખુશરૂ કાબરાજીનું ‘બેજન મનીજેહ’ નાટકને ભારે આવકાર મળ્યો અને વિક્ટોરિયા નાટક મંડળીને નામના મળી.
આમાંના ઘણાખરા નાટકોમાં પારસી કે ઉર્દૂ છાંટવાળી ગુજરાતી ભાષા બોલાતી. ઓગણીસમી સદીની મધ્યમાં કવિ દલપતરામનું ‘લક્ષ્મી’ નાટક શિષ્ટ ગુજરાતી નાટ્યપ્રયોગનું ઉદાહરણ બન્યું.