સતી સિમંતિની વ્રત કથા એક પૌરાણિક કથા છે જે પતિવ્રતા ધર્મનું મહત્વ દર્શાવે છે. આ કથા પ્રમાણે, સિમંતિની નામની એક સ્ત્રી તેના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હતી.
વ્રતનું મહત્વ:
- સતી સિમંતિની વ્રત પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે કરવામાં આવે છે.
- આ વ્રત પતિવ્રતા ધર્મના મહત્વને દર્શાવે છે.
- આ વ્રત સ્ત્રીઓને તેમના પતિ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે.
- વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ વ્રત સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.
Sati Simantini Vrat In Gujarati PDF Download
અખંડ, સોમવારનું વ્રત કરનારે સોમવારે વહેલા ઊઠી નદીએ નાહવું. સાંજે મહાદેવજીના મંદિરે જવું. ઘીનો દીવો કરવો. મહાદેવપાર્વતીનું પૂજન કરવું. સતી સિમંતિનીની કથા સાંભળીને જમવું. ઘણાં વર્ષો પહેલાં આપણાં દેશમાં એક રાજા થઈ ગયો. એનું નામ ચિત્રવર્મા હતું. તે બહુ જ સદાચારી અને દયાળુ હતો, ઠેકાણે ઠેકાણે સદાવ્રતો માંડી દીન-દુઃખિયાંને અનાજ આપતો. ગો બ્રાહ્મણની સેવા કરતો. લોકોનું કલ્યાણ કરવામાં તે સદા તત્પર રહેતો.
આમ તો તે સર્વ વાતે સુખી હતો પણ તેને સંતાન ન હતું. એટલે તેનું મન ચિંતામાં બળ્યા કરતું. રાજા દહાડે દહાડે ચિંતામાં સૂકાતો જતો હતો. એક દિવસ પ્રધાને કહ્યું: પ્રભુ આમ ચિંતા કરે શું વળશે ? જો આપ આજ્ઞા આપો તો હું આપને માટે બીજા લગ્નની ગોઠવણ કરું.’ રાજા બોલ્યો : ‘પ્રધાનજી ! તમારી વાત ખરી છે, પણ બીજું લગ્ન કરવાથી શું ? જો મારા ભાગ્યમાં સંતાન નહિ જ થવાનું હોય, તો બીજી સ્ત્રીને ક્યાંથી થશે ?’ રાજા એક પત્નીવ્રત પાળતો હતો.
ઘણીવાર રાણીએ પોતે કહેલું, છતાં રાજાએ લગ્ન કરવાની ના પાડી હતી. રાજાની પ્રભુ પ્રત્યેની એકનિષ્ઠાથી પ્રસન્ન થઈ, એક દિવસ નારદમુનિ ત્યાં આવ્યા. નારદજીને રાજાએ માનપૂર્વક બેસાડી ભક્તિભાવે પૂજા કરી સ્વાગત કર્યું. નારદે સંતુષ્ટ થઈ પૂછ્યું : ‘રાજા ! તમે શાની ચિંતામાં પડ્યા છો ?’ રાજા બોલ્યો: ‘મુનિરાજ ! મને બીજી કોઈ વાતની ચિંતા નથી, આપની કૃપાથી હું સર્વ વાતે સુખી છું, પણ સંતાન વિના મારું મન મુંઝાય છે !’ નારદ બોલ્યા : ‘જો સંતાનની ઈચ્છા હોય તો યજ્ઞ કરો. પ્રભુ તમને અવશ્ય સંતાન આપશે.’
રાજાએ યજ્ઞનો આરંભ કર્યો એટલામાં આકાશવાણી થઈ : ‘રાજા ! અમે તમારી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા છીએ, યજ્ઞ પૂરો થયે તું તારી રાણીને યજ્ઞની પ્રસાદી-ખીર આપજે, એટલે રાણીને એક ગુણવાન રૂપવાન અને કન્યાનો જન્મ થશે.’ યજ્ઞ પૂરો થયો. રાજાએ રાણીને પ્રસાદી આપી. થોડા દિવસ પછી રાણી ગર્ભવતી થઈ. મહિને રાણીને ચંદ્ર જેવી રૂપાળી કુંવરીનો જન્મ થયો. રાજાએ તો જોષીઓને તેડાવી જન્મોત્રી કરાવી.
જોષીઓએ કુંવરીનું ભવિષ્ય જોઈ કહ્યું : ‘હે રાજા ! તમારી કન્યાનું નામ સિમંતિની રાખો. તે રૂપમાં ગુણમાં બધી કન્યાઓ કરતાં ચડિયાતી થશે. એક મહાન પ્રતાપી રાજા સાથે તેનું લગ્ન થશે… પણ ચૌદમાં વર્ષે તે વિધવા થશે.’ ‘ચૌદમાં વર્ષે વિધવા થશે !’ સાંભળી રાજા તો ભયભીત થઈ ગયો. એટલામાં એક જોષી બોલી ઊઠ્યો : મહારાજ ! ચિંતા ન કરશો, એક યોગ ઘણો જ સારો છે,ચૌદમાં વર્ષે વિધવા થશે પણ ભગવાન શંકરની કૃપાથી તેને ગયેલું સૌભાગ્ય પાછું મળશે.’
આ સાંભળી રાજાને શાંતિ વળી તેમણે જોષીઓને દક્ષિણા આપી વિદાય કર્યા. સિમંતિની દિવસે દિવસે બીજના ચંદ્રમાની પેઠે મોટી થવા લાગી, પાઠશાળામાં તે ભણી ઊઠી ધર્મશાસ્ત્રોનો પણ તેણે ઊંડો અભ્યાસ કર્યો. ધીમે ધીમે તે સમજણી થઈ. રાજાએ તેના લગ્નની ગોઠવણ માંડી. એક વાર સિમંતિની ફૂલવાડીમાં પોતાની સખીઓ સાથે રમતી હતી. હસતાં હસતાં એક બહેનપણી બોલી : ‘બહેન ચૌદમું વર્ષ સારું જાય તો બસ.’
સિંમતિની બોલી : ‘કેમ, અલી ચૌદમાં વર્ષે શું છે ?’ ‘જોષી કહેતા હતા કે, ચૌદમાં વર્ષે તું વિધવા થવાની !’ ‘વિધવા’ શબ્દ સાંભળતાં જ જાણે સિમંતિનીના માથે વીજળી પડી ! એનું મન ધ્રૂજી ઊઠ્યું ! સિમંતિની શાંત ચિત્તે વિચાર કરવા લાગી અને પોતે યાજ્ઞવલ્કય ઋષિનાં પત્ની મૈત્રેયી પાસે ગયી. મૈત્રેયી ઘણાં પ્રેમાળ હતાં. એમની પાસે સિમંતિનીએ મન મૂકીને બધી વાત કરી અને પૂછ્યું : ‘માતા હું કર્યું વ્રત કરું ? શું કરું તો મારા પતિનું જીવન બચે ?’ એ મને બતાવો. તમે કહેશો તે કરવા હું રાજી છું. મારો પ્રાણ આપવો પડશે તો યે હું આપીશ.’
મૈત્રેયી બોલ્યાં ‘બેટા ! ચિંતા ન કરીશ, પતિનું જીવન બચાવવાનો એક ઉપાય છે અને તે એ કે, ભગવાન શંકર અને પાર્વતીને પ્રસન્ન કરવાં, એ જ અખંડ સૌભાગ્ય આપશે.’ ‘શી રીતે ? કયા વ્રતથી પ્રસન્ન કરું ?’ સિમંતિનીએ પૂછ્યું. મૈત્રેયી બોલ્યા : સોળ સોમવારના વ્રતથી મહાદેવજી પ્રસન્ન થશે.’ સિમંતિનિ ઘરે ગઈ અને તેણે સોમવારના વ્રતનો આરંભ કર્યો, નિત્ય શંકર-પાર્વતીની પૂજા કરવા લાગી. થોડા દિવસ વિત્યાને સિમંતિનિનું લગ્ન તેના પિતા ચિત્રવર્માએ નૈષધદેશમાં નળરાજાના પૌત્ર ચિત્રાંગદ સાથે બહુજ ધામધૂમથી કર્યું.
હીરા, મોતી, માણેક, હાથી, ઘોડા જેટલું અપાય તેટલું આપ્યું અને મનગમતી પહેરામણી આપી સિમંતિનીને સાસરે વળાવી. સિમંતિની પોતાના ઉત્તમ ગુણોને લઈને સાસરિયાંમાં બધાને પ્રિય થઈ પડી. સાસુ સસરા અને પતિની તે ખરા ભાવથી સેવા કરવા લાગી. નાની વયમાં આટલાં બધાં વ્રતો અને ઉપવાસ કરવાની તેના સાસુ-સસરાએ ઘણીવાર ના પાડી, છતાં એણે નિત્યનિયમ પ્રમાણે વ્રતો ચાલુ જ રાખ્યાં.
એક દિવસ સિમંતિની પોતાના પતિ સાથે યમુના નદીના તીરે ફરવા ગઈ. ત્યાં અચાનક ચિત્રાંગદત્યાં ના મિત્રો આવી ચડ્યા. તેમણે ચિત્રાંગદને કહ્યું : ‘ચાલો, આપણે હોડીમાં બેસી થોડોક જલવિહાર કરી આવીએ.’ સિમંતિનીએ ઘણી રીતે ચિત્રાંગદને હોડી પર જતાં અટકાવ્યો, પણ તે અટક્યો નહિ. બધા મિત્રો હોડીમાં બેઠા અને હોડી હંકારી મૂકી. એવામાં ઓચિંતાનો પવન ભારે વેગથી ફૂંકાવા લાગ્યો, હોડી હાલમડોલ થવા લાગી, ભયંકર વાવાઝોડું થયું અને હોડી જોતજોતામાં નદીના ઉછળતા પાણીમાં ડૂબી ગઈ ! સિમંતિની હૈયાફાટ રૂદન કરવા લાગી.
ઘણા માણસો દોડી આવ્યા. રાજમહેલમાં પણ આ અશુભ સમાચાર પહોંચ્યા. આખું નગર શોકસાગરમાં ડૂબી ગયું. ચિત્રાંગદ જેવો ડૂબ્યો, તેવો તેને એક નાગકન્યાએ જોયો અને બચાલી લીધો. નાગકન્યા ચિત્રાંગદને નાગરાજા પાસે લઈ ગઈ. નાગરાજે તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, ચિત્રાંગદને ઘરે જવાની બહુ ઈચ્છા હતી, એટલે નાગરાજે એક સશક્ત ઘોડો આપી તેને બહાર પહોંચતો કર્યો. એ જ સમયે સિમંતિની નાહવા આવી હતી.
અચાનક નદીના પાણીમાંથી ઘોડો બહાર આવ્યો. સિમંતિનીની દૃષ્ટિ ઘોડા પર પડી. પોતાના પતિને જોઈને તે ગાંડીઘેલી બની ગઈ ! પતિ-પત્ની એક બીજાને પ્રેમથી ભેટી પડ્યાં. ચિત્રાંગદ બોલ્યો : ‘તમારા વ્રતના પ્રતાપે જ હું તમને મળ્યો છું.’ ચિત્રાંગદ જીવતો હોવાના સમાચાર નગરમાં પહોંચ્યા.
આખા નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો. સિમંતિનીને પોતાનું સૌભાગ્ય પાછું મળ્યું. એણે આખું જીવનવ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. સમય જતાં શિવ-પાર્વતીની કૃપાથી સિમંતિનીને આઠ પુત્રો થયા. એના પિતાને ત્યાં પણ મોટી વયે પુત્ર થયો. વ્રતના પ્રભાવથી આખું કુટુંબ આનંદમય બની ગયું. જે કોઈ આ સતી સિમંતિનીની વારતા સાંભળશે, તેને પણ આવું જ ફળ મળશે, પરમ સૌભાગ્ય પ્રાપ્ત થશે.